Homeસાર્થક જલસો-૫
સાર્થક જલસો-૫
સાર્થક જલસો-૫
Standard shipping in 7 working days

સાર્થક જલસો-૫

 
₹70
Product Description

ગુજરાતી દિવાળી અંકોની જૂની પરંપરામાં છેલ્લાં ત્રણેક વર્ષથી ‘સાર્થક જલસો’ નો પ્રવેશ નોંધપાત્ર છે. ‘સાર્થક જલસો’નો પાંચમો અંક પણ અગાઉના અંકોની જેમ ફક્ત દેખાવમાં જ નહીં, વિષયવૈવિધ્ય, લેખકોની રીતે પણ વિશિષ્ટ છે.

જેમ કે, અંકનો સૌથી ટૂંકો લેખ દોઢ પાનાંનો છે, જેમાં પ્રશાંત દયાળે અનામત વિશે સિદ્ધાંતચર્ચા કરવાને બદલે, વ્યક્તિગત રીતે પોતે કરેલી પહેલ વિશે લખ્યું છે. તો અંકનો સૌથી લાંબો લેખ છત્રીસ પાનાંમાં પથરાયેલો છે. તેમાં ક્ષમા કટારિયાએ બે દાયકા પહેલાં વડોદરાની ‘ઓએસિસ’ સંસ્થામાં યુવકયુવતીઓએ કેવું નમૂનેદાર કામ કર્યું, તેમાં એમને કેવા સંઘર્ષનો સામનો કરવો પડ્યો અને યુવાશક્તિ ધારે તો શું કરી શકે, તેની વિગતવાર, ભાવસભર વાત માંડી છે. આટલો લાંબો લેખ એક વાર શરૂ કર્યા પછી પૂરો જ કરવો પડે અને કદાચ ટૂંકો પણ લાગે, એવી એની રજૂઆત અને પકડ છે.

દિવાળી અંકોમાં દીવડા અને રોશનીની બોલબાલા હોય, ત્યારે ‘સાર્થક જલસો-૫’ નો પહેલો જ લેખ અંધજનોના જીવનમાં પથરાયેલા અંધકાર વિશે દેખતા લોકોની સંવેદનાને ઢંઢોળે છે. એ લેખમાં આશિષ કક્કડે અમદાવાદના અંધજન મંડળમાં ચાલતા અને દેખતા લોકોને થોડા સમય માટે અંધકારનો અહેસાસ આપતા વિશિષ્ટ પ્રયોગ વિશે લખ્યું છે. ઉર્વીશ કોઠારીએ એટેનબરોની બહુ વખણાયેલી ફિલ્મ ‘ગાંધી’ માં તથ્યોનાં કેવડાં મોટાં ગાબડાં રહી ગયાં હતાં, તેની આધારભૂત વિગતો રજૂ કરી છે, તો રમેશ ઓઝાએ ગાંધીના આધ્યાત્મિક વારસ વિનોબા ભાવે વિશેની અનેક ગેરસમજો દૂર કરીને તેમનું વિગતવાર, સર્વાંગી મૂલ્યાંકન કર્યું છે. ધૈવત ત્રિવેદીએ કાઠિયાવાડની ભાષાના રણકા અને શબ્દપ્રયોગોની વિશિષ્ટતાની વાત માંડી છે અને દીપક સોલિયાએ જીવનમાં કૂતરાં કરડવાથી માંડીને સ્ત્રી-પુરૂષોનો ગુણોત્તર જળવાવાની બાબતમાં કુદરત કેવી રીતે કામ કરે છે, તેની આશ્ચર્યજનક વિગતો એકદમ હળવાશથી રજૂ કરી છે.

ગુજરાતના જાહેર જીવનમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે સંજય ભાવેને આપેલા ઇન્ટરવ્યુમાં ઘણી વાતો પહેલી વાર કરી છે. તેમાંથી ગુજરાતના રાજકીય-સામાજિક જીવન વિશે ઘણી બાબતો જાણવા મળે છે. અનામતની જોગવાઇ વિશે ૧૯૫૦થી અત્યાર સુધીના મહત્ત્વના બનાવોની ચંદુ મહેરિયાએ આપેલી સમયરેખા અત્યંત ઉપયોગી વિગતો પૂરી પાડે છે, તો નીરવ પટેલની કવિતા ‘પટેલલાડુ’ સંકુચિતતાને બદલે વ્યાપકતાની વાત અત્યંત ચોટદાર અંદાજમાં કહે છે. વરસાદ અને ચોમાસા વિશેનો ચંદુ મહેરિયાનો લેખ અને ભારતીય મા-દીકરીના સંબંધોની ગહનતા વર્ણવતો આરતી નાયરનો લેખ સંવેદનશીલ વાચકની આંખ ભીની કરી જાય એવા છે.

આવા બીજા પણ રસપ્રદ લેખો ધરાવતા ‘સાર્થક જલસો-૫’નું વાચન ચીલાચાલુ સામગ્રીથી કંટાળેલા વાચકોને જલસો કરાવો અને ‘સાર્થક જલસો’ના અગાઉના અંકો વિશે ચટપટી જગાડે એવું છે.

છૂટક નકલ : કિંમત રૂ. ૫૦ (પોસ્ટેજ રૂ.૨૦ અલગ)

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now